નાગરાજ વાસુકિ

વાસુકિ એ પુરાણપ્રસિધ્ધ અને સમસ્ત નાગ પ્રજાતિનો ચક્રવર્તી સમ્રાટ હતો. પુરાણોમાં તેનો ઉલ્લેખ એક અત્યંત લાંબા અને મહાકાય નાગ તરીકે થયો છે. કહેવાય છે કે,તે મહર્ષિ કશ્પય અને તેમના પત્ની કદ્રુ [દક્ષ પ્રજાપતિની પુત્રી] નો પુત્ર હતો. નાગધન્વાતીર્થમાં દેવતાઓએ તેમને નાગરાજના પદ પર બેસાડી તેમનો રાજ્યાભિષેક કર્યો હતો. તે નાગોનો બીજો સમ્રાટ હતો. તેમની વિનયી બુધ્ધિ, ધર્મશ્રધ્ધા, ઉદારતા અને વ્યવહાર કુશળતાને પરિણામે તે ઘણો જ પ્રસિધ્ધ હતો.

દેવો અને દાનવો વચ્ચે થયેલા સમુદ્રમંથન વખતે મંદરાચલ અથવા મેરુ પર્વતનો ઉપયોગ વલોણા તરીકે થયો હતો તો નાગરાજ વાસુકીનો ઉપયોગ વલોણાને ફેરવતી રસ્સી [ નોંઝણા ] તરીકે થયેલો. આમ,નાગરાજ વાસુકીએ દેવો અને દાનવોના કલ્યાણ માટે પોતાનો ઉપયોગ રસ્સી તરીકે થવા દીધેલો.

નાગરાજ વાસુકિ પરમ શિવભક્ત હતો અને તેમની અત્યંત સબળ શિવભક્તિને કારણે જ તેને શિવજીના ગળામાં સ્થાન મળ્યું હતું….! એક રાજા તરીકે તેમનો રહેવાનો વિસ્તાર કૈલાસ પર્વતની આજુબાજુનો હતો.

નાગવંશનો સર્વનાશમાંથી બચાવ –

અભિમન્યુ પુત્ર પરિક્ષીત રાજાને મહર્ષિ શમિકના શાપને કારણે તક્ષક નાગે ડંખ મારેલો અને પરિણામે કુરુવંશના આ રાજાનુ મૃત્યુ થયેલું. એ પછી પરિક્ષિતનો પુત્ર જનમેજય રાજા થયો. તેને પોતાના પિતાના મૃત્યુનો પ્રતિશોધ લેવો હતો. સમસ્ત નાગ જાતિને નષ્ટ કરી દેવાની તેને ઇચ્છા હતી. સતત પોતાના પિતાનો બદલો લેવાની ભાવના તે સેવતો. આથી તેણે નાગયજ્ઞ કે નાગસત્ર કહેવાતો એક મહાયજ્ઞ આરંભ કર્યો. અત્યંત વિશાળ એવા આ યજ્ઞની જે દિવસે પૂર્ણાહુતી થાય એ પછી સમસ્ત નાગવંશનો સર્વનાશ થઇ જવાનો હતો. બધા નાગો આથી ભયભીત બન્યા અને પોતાના અસ્તિત્વ પર મંડરાઇ રહેલા ખતરાને નિવારવા વ્યર્થ પ્રયત્ન કરી રહ્યાં.

આ બાજુ વાસુકિ નાગને આ યજ્ઞ રોકવાનો એક માત્ર ઉપાય નજર આવતા તેણે પોતાની બહેનના વિવાહ જરત્કારુ મુનિ સાથે કરાવ્યા અને તેમનાથી આસ્તિક નામે પુત્ર ઉત્પન્ન થયો. આ મહર્ષિ આસ્તિક જનમેજયના યજ્ઞમાં પહોંચ્યા અને પોતાની મધુર વાણીથી જનમેજય પર પોતાની ગાઢ અસર બેસાડી દીધી. યજ્ઞમાં એક પછી એક બધાં નાગોની આહુતિ અપાતી હતી. એવામાં તક્ષકની આહુતિ આપવાનો વારો આવ્યો. તક્ષક ભાગીને ઇન્દ્ર પાસે જતો રહ્યો. બ્રાહ્મણોએ તેને આહુતિ આપવા હુકમ કર્યો પણ તક્ષક ન આવ્યો ત્યારે ખબર પડી કે તે ઇન્દ્ર પાસે જતો રહ્યો છે. આથી ગુસ્સે ભરાયેલ જનમેજયે તે બંનેની ભેગી આહુતિ આપવા આહ્વાન કર્યું. બંનેને યજ્ઞમાં હોમી દેવાના….! “ઇન્દ્રાય તક્ષકાય સ્વાહા…..!!” મંત્રો ગુંજ્યા. ભયભીત ઇન્દ્રએ તક્ષકને આશરો આપ્યો નહિ. તક્ષક એકલો યજ્ઞકુંડ સામે આવીને ઊભો રહ્યો. એને યજ્ઞકુંડમાં પધરાવવાની તૈયારી શરૂ થઇ. એ વખતે જનમેજયે આસ્તિકને જે માંગવુ હોય તે માંગવા કહ્યું. આસ્તિકે માંગ્યુ કે,તક્ષકની આહુતિ આપવાની બંધ કરો….! ખિન્ન થયેલો જનમેજય બીજું શું કરે ? તે વચને બંધાયો હતો. અંતે મનેકમને તેણે આ સર્પસત્ર યજ્ઞ બંધ કરાવ્યો. આ દિવસ શ્રાવણ સુદ પાચમનો હતો જેને ત્યાર પછી “નાગપંચમી” તરીકે ઉજવાય છે.

વાસુકિની પુત્રી સુલોચનાના વિવાહ રાવણના પુત્ર મેઘનાદ જોડે થયા હતાં. આમ,લંકારાજ દશાનન સાથે પણ તેને કૌટુંબિક સબંધો હતાં. વાસુકિની પત્નીનું નામ શતવર્ષા હતું.

ભગવાન શંકરે કરેલા ત્રિલોકદાહ વખતે તેમના ધનુષ્યની પણછ પણ વાસુકિનાગ જ બન્યો હતો. સમુદ્રમંથન અને નાગવંશના સર્વનાશને રોકવાના કાર્યને લીધે વાસુકિનાગ આજે પણ યાદ છે….!

જો તમે આવીજ અજાણી વાતો વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ Bhalo Maro Kathiyawad  ને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + seventeen =