શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ઉજ્જૈનનો ઇતિહાસ

ભારતમાં મહાકાલની નગરી તરિખે પ્રખ્યાત થયેલ ઉજ્જૈન નગરી આવેલી છે. જે હાલ મધ્યપ્રદેશમાં આવે છે. અહીં અશંખ્ય મંદિરો આવેલા છે જેથી આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં માતા હરસિદ્ધિનું જગ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જ્યાં ક્ષિપ્રા નદીને કાંઠે માતા હરસિદ્ધિ સ્વયં બિરાજમાન છે. આ મંદિર ઉજ્જૈન નગરીના મહારાજ વિક્રમાદિત્યએ બંધાવેલું છે. તો ચાલો જાણીયે માતા હરસિદ્ધિના આ સુપ્રસિદ્ધ મંદિરનો પ્રાચીન ઇતિહાસ.

શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ઉજ્જૈનનો ઇતિહાસ

શુરવીરો, સતીઓ અને સંતોની ભૂમિ ગુજરાતમાં ગાંધવી ગામની બાજુમાં મિયાણી આવેલ છે. ત્યાં પ્રભાતસેન કરીને રાજા રાજ કરતા હતા. તેમને પ્રભાવતી નામની પતિવ્રતા પત્ની હતી. જે માતા હરસિદ્ધિની પરમ ભક્ત અને ઉપાસક હતી. એકવાર નવરાત્રીના સમયે રાણી પ્રભાવતી સાથે માતા હરસિદ્ધિ સ્વયં ગરબે રમી રહ્યા હતા. પછી માતાજી પોતાના સ્થાન તરફ જતા હતા ત્યારે રાજા પ્રભાતસેને માતાજી પર કુદ્રષ્ટિ કરી, માતાજી કોપાયમાન થયા અને પ્રભાતસેનને શ્રાપ આપ્યો અને કહ્યું કે, તારે રોજ સવારે ઉકળતા તેલની કડાઈમાં પડવાનું છે. હું તારા શરીરનું ભક્ષણ કરીશ. પણ તારી પત્ની પ્રભાવતીની ભક્તિના ફળ સ્વરૂપે હું તને ફરી સજીવન કરીશ. ત્યારથી રાજા પ્રભાતસેન રોજ પોતાના શરીરનો ભોગ આપવા માટે જતો.

એવામાં એક વખત પ્રભાતસેનના માસીયાઈ ભાઈ રાજા વિક્રમાદિત્ય મિયાણી આવ્યા. જે ઉજ્જૈન નગરીના રાજા હતા. એમને પ્રભાતસેનની આવી દશા જોઈ અને તેનું કારણ પૂછ્યું ત્યારે રાજા પ્રભાતસેને સઘળી વાત વિક્રમાદિત્યને કરી. ત્યારે વિક્રમાદિત્યએ કહ્યું કે ચિંતા ના કરો આવતી કાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા માટે જઈશ. બીજા દિવસે રાજા વિક્રમ પોતે ગયા અને ઉકળતી તેલની કડાઈમાં પડી પોતાના દેહનું બલિદાન આપ્યું, ત્યારે રાજા વિક્રમની આવી પરોપકારની ભાવના જોઈ માતા હરસિદ્ધિ સ્વયં પ્રગટ થયા અને વિક્રમને બે વરદાન માંગવા કહ્યું. વિક્રમરાજાએ પહેલા વરદાનમાં પોતાના માસિયાઇભાઇ પ્રભાતસેનને શ્રાપમાંથી મુક્તિ આપો એવું માંગ્યું, અને બીજા વરદાનમાં માંગ્યું કે આપ મારી સાથે મારી ઉજ્જૈનનગરીમાં પધારો. માતા હરસિદ્ધિએ તથાસ્તુઃ કહ્યું, પણ રાજા વિક્રમ પાસેથી માતાજીએ એક વચન લીધુંકે, હું હાલ સવાર થતા તારી પાછળ ઉજ્જૈન આવીશ, જે જગ્યાએ તારા મનમાં શંકા જાગશે ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહિ આવું.

બીજા દિવસે વહેલી સવારે રાજા વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિની પગે લાગી પ્રાથના કરીને ઉજ્જૈન નગરી તરફ જવા નીકળે છે અને માતાજી તેની પાછળ ઝાંઝરના અવાજ સાથે ઉજ્જૈન જાય છે. ધીમે ધીમે ચાલતા ચાલતા રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈની ક્ષિપ્રા નદીને કાંઠે પહોંચે છે ત્યારે માતાજીના ઝાંઝરનો આવાજ અચાનક બંધ થઇ જાય છે. ત્યારે રાજા વિક્રમના મનમાં શંકા થાય છેકે માતાજી પોતાની પાછળ આવ્યા છેકે નહિ તે જોવા માટે પાછળ ફરે છે. ત્યારે માતા હરસિદ્ધિ ત્યાંજ ક્ષિપ્રા નદીને કાંઠે રોકાય જાય છે. પછી ત્યાંજ રાજા વિક્રમ માતા હરસિધ્ધિનું વિશાળ અને ભવ્ય મંદિર બંધાવે છે. આ ભવ્ય મંદિર માં માતા હરસિધ્ધિ સ્વયં બિરાજમાન થયા છે.

આ મંદિરમાં હરસિદ્ધિ માતાજી સાથે દેવી અન્નપૂર્ણા અને દેવી મહાકાળી પણ બિરાજમાન છે. અને મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવનું કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. હરસિધ્ધિ માતાના મંદિરની સામે જ ભવ્ય અને વિશાળ બે દીપસ્તંભ આવેલ છે. જે નર-નારીનું પ્રતીક માનવામાં આવે છે. જમણી તરફનો સ્તંભ મોટો છે જ્યારે ડાબી તરફનો સ્તંભ નાનો છે. એવું માનવામાં આવે છે કે આ બન્ને સ્ત્રી-પુરૂષના પ્રતીક છે. કેટલાક લોકો આને શિવ-શક્તિનું પ્રતીક પણ માને છે. બન્ને સ્તંભ પર 1100 દીપ છે. આ દીવાઓને પ્રગટાવવા માટે લગભગ 60 કિલો તેલની જરૂર પડે છે. નવરાત્રી સમયે તેમજ દીપાવલી પર્વે આ દીપ સ્તંભ પ્રગટાવી પ્રજ્વલિત કરવામાં આવે છે.

રાતે હરસિદ્ધિ મંદિરના પટ બંધ થયા બાદ ગર્ભગૃહમાં વિશેષ પર્વોના અવસર પર વિશેષ પૂજા કરવામાં આવે છે. શ્રીસૂક્ત અને વેદોક્ત મંત્રોની સાથે થનારી આ પૂજાનું તાંત્રિક મહત્વ બહુ છે. ભક્તોની મનોકામના પૂર્તિ માટે વિશેષ તિથિઓ પર આ પૂજા કરવામાં આવે છે.

ઉજ્જૈન નગરીમાં માતા હરસિધ્ધિ મંદિર સિવાય સ્વયં ભગવાન મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે, તથા કાલભૈરવ, મંગળનાથ, ગણેશજી અને બીજા અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે.

ઉજ્જૈન નગરીમાં માતા હરસિધ્ધિ મંદિર સિવાય સ્વયં ભગવાન મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે, તથા કાલભૈરવ, મંગળનાથ, ગણેશજી અને બીજા અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે.

તો મિત્રો આ હતો શ્રી હરસિદ્ધિ માતા મંદિર ઉજ્જૈન નો ઇતિહાસ , જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ Bhalo Maro Kathiyawad  ને લાઈક કરો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − five =